તમારા તરુણ/તરુણીઓ સાથે અંતરંગ ફોટા શેર (ન) કરવા વિશે વાત કરવી

જ્યારે માતા-પિતા તરુણ/તરુણીઓ સાથે અંતરંગ ફોટા વિશે વાત કરે, ત્યારે આપણે સામાન્ય રીતે બે વસ્તુઓ પર ફોકસ કરીએ છીએ: તેમને આવા ફોટા ન મોકલવા માટે કહીએ છીએ અને જો તેઓ આવું કરે છે તો તેનાથી થઈ શકનારાં સૌથી ખરાબ પરિણામો બતાવીએ છીએ. તે સાચું છે કે કેટલાક દેશોમાં અંતરંગ ફોટા મોકલવા એ બાબત ગેરકાયદેસર હોઈ શકે છે. પરંતુ આ અભિગમ તેમને મોકલવા વિશેની સૌથી મોટી સમસ્યાઓને ઉકેલતો નથી – અને તે અવળો પણ પડી શકે છે. જો આપણે બસ અંતરંગ ફોટાને મોકલવાના જોખમો વિશે જ વાત કરીએ, તો એનો અર્થ છે કે આપણે મોકલનારની સંમતિ વિના ફોટા શેર કરનારા તરુણ/તરુણીઓને કહી રહ્યાં છીએ કે તેઓ કંઈ પણ ખોટું કરી રહ્યાં નથી. શું બન્યું છે તે સાંભળનારા અન્ય તરુણ/તરુણીઓની પણ તેને શેર કરનાર વ્યક્તિને બદલે પીડિતને દોષ દેવાની વધુ સંભાવના છે.

સારા સમાચાર એ છે કે સંશોધન બતાવે છે કે તમે વિચારતા હશો તેનાં કરતાં ખૂબ ઓછા પ્રમાણમાં તરુણ/તરુણીઓ અંતરંગ ફોટા મોકલે છે – ઓછા એટલે દસમાંથી એક.

ટિપ: તરુણ/તરુણીઓ તેમને "અંતરંગ ફોટા" કહેતા નથી. "ન્યૂડ્સ" એ સર્વ સામાન્ય શબ્દ છે અથવા બસ "ફોટા" તેમજ અન્ય શબ્દો.

કૅનેડાના સંશોધનકર્તાઓએ પણ શોધી કાઢ્યું છે કે તરુણ/તરુણીઓએ અંતરંગ ફોટા મોકલ્યા છે તેના કરતાં વધુ તેઓને મળ્યા છે, તેથી તે વાસ્તવમાં છે તેના કરતાં વધુ સામાન્ય એક્ટિવિટી જણાઈ શકે છે. તરુણ/તરુણીઓ એ બાબતે ખૂબ સંવેદનશીલ હોય છે કે તેઓ જે વિચારે છે તે તેમના મિત્રો અને સાથીઓ કરી રહ્યા છે: જો તેઓને લાગે કે કોઈ વસ્તુ સામાન્ય છે, તો તેમની એવું વિચારવાની વધુ સંભાવના છે કે તે પોતાની જાતે કરવું પણ ઠીક છે. આપણા તરુણ/તરુણીઓને કહેવા માટેની સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ એ કે "દરેક જણ તે કરે છે" તે સાચું નથી. તમારે તેઓને એ પણ કહેવું જોઈએ કે અંતરંગ ફોટા મોકલવા માટે કોઈને પણ તેમના પર ક્યારેય દબાણ કરવા દેવું નહીં.

તમારા તરુણ/તરુણીઓ સાથે કરવા માટેની આગળની વાત એ છે કે જો કોઈ વ્યક્તિ તેમને અંતરંગ ફોટા મોકલે તો શું કરવું. તેને આદર અને સંમતિના એક પ્રશ્ન તરીકે ફ્રેમ કરો: જો કોઈ વ્યક્તિ તમને કોઈ અંતરંગ ફોટો મોકલે છે, તો તેઓ તમને તે જોવાની સંમતિ આપે છે પરંતુ અન્ય કોઈને પણ તે બતાવવાની નહીં.

તો જ્યારે આપણા તરુણ/તરુણીઓને કોઈ અંતરંગ ફોટો મોકલવામાં આવે ત્યારે બહેતર વિકલ્પ પસંદ કરવામાં આપણે તેમની કેવી રીતે મદદ કરી શકીએ છીએ?

સૌ પ્રથમ, તમારા તરુણ/તરુણીઓને કહો કે જો કોઈ વ્યક્તિ તેમને અંતરંગ ફોટો મોકલે છે કે જેની માંગણી તેઓએ કરી નહોતી તો તેને તરત જ ડિલીટ કરી દેવો જોઈએ અને કાં તો તે વ્યક્તિને હવે વધુ ન મોકલવા જણાવો (જો તે કોઈ એવી વ્યક્તિ છે કે જેને તેઓ ઓફલાઇન જાણતા હોય) અથવા તે વ્યક્તિને તેમનો સંપર્ક કરવાથી બ્લોક કરી દો (જો તે કોઈ એવી વ્યક્તિ હોય કે જેને તેઓ જાણતા ન હોય અથવા ફક્ત ઓનલાઇન જાણતા હોય.) જો વ્યક્તિ અંતરંગ ફોટા મોકલવાનું ચાલુ રાખે તો તેમણે તમારી સાથે કોઈ અધિકારી પાસે જવાની અથવા તેઓ વિશ્વાસ કરતા હોય તેવા કોઈ વયસ્ક સાથે વાત કરવી જોઈએ.

આગળ, તેમણે માગ્યા હોય તેવા અથવા જેને મેળવીને ખુશ થયા હોય તેવા અંતરંગ ફોટાનું શું કરવું તે વિશે તેમની સાથે વાત કરો.

તેઓને પોતાને આ પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરો:

  • શું આ ફોટામાં રહેલી વ્યક્તિનો ઈરાદો તેને શેર કરવાનો હતો?
  • જો તે મોકલનારી મૂળ વ્યક્તિ સિવાયની કોઈ વ્યક્તિ પાસેથી આવ્યો હોય, તો શું તેમની પાસે ફોટામાં રહેલી વ્યક્તિની પરવાનગી છે?
  • જો કોઈ વ્યક્તિ હું જેમાં હોઉં તેવી કોઈ વસ્તુ મારી સાથે શેર કરે તો મને કેવું લાગશે?

તે બધું ફક્ત એક સામાન્ય નિયમ હેઠળ આવે છે: જો ફોટામાં રહેલી કોઈ વ્યક્તિ (અથવા લોકો) તેને શેર કરવા માંગે છે તેની તમને પૂર્ણ ખાતરી ન હોય તો, તેને શેર કરશો નહીં.

સમસ્યા એ છે કે કોઈ સ્પષ્ટ નિયમ હોય તો પણ, માણસો તેને ન અનુસરવું કેમ ઠીક છે તેનાં કારણો શોધી કાઢવામાં નિષ્ણાત છે. તેને નૈતિક વિયોજન કહેવાય છે અને તે તરુણ/તરુણીઓની અંતરંગ ફોટા શેર કરવાની સંભાવનાને વધારી શકે છે.

તેથી જ તે નિયમની સાથે-સાથે, આપણે નૈતિક વિયોજનની મુખ્ય ચાર પદ્ધતિઓનો સીધો જ સામનો કરવાની જરૂર છે:

કોઈ વ્યક્તિના અંતરંગ ફોટાને શેર કરવું નુકસાન પહોંચાડે છે એ વાતને નકારવી.

તેઓ કહે છે: "જો અન્ય લોકોએ પહેલાંથી જ જોઈ લીધો હોય તો ન્યૂડ ફોટાને શેર કરવું એ કંઈ મોટી વાત નથી."

તમે કહો છો: તમે અંતરંગ ફોટો શેર કરો છો તે દર વખતે, તમે તેમાં રહેલી વ્યક્તિને દુભાવી રહ્યાં હોવ છો. એ મહત્ત્વનું નથી કે તેવું કરનારી તમે પ્રથમ વ્યક્તિ છો કે સોમાં નંબરની વ્યક્તિ.

અંતરંગ ફોટાને શેર કરવાના સકારાત્મક પ્રભાવો પણ છે તેમ કહીને તેને ન્યાયસંગત ઠેરવવું.

તેઓ કહે છે: "જ્યારે કોઈ છોકરીનો ફોટો શેર થાય છે, તો તે બતાવે છે કે અન્ય છોકરીઓને પણ તેમનો ફોટો મોકલવામાં આવે તેનું જોખમ છે."

તમે કહો છો: બે અસત્યથી એક સત્ય બનતું નથી! કોઈ અંતરંગ ફોટા મોકલવા એ ખરાબ વિચાર છે તે વાત લોકોને બતાવવાની એવી રીતો પણ છે કે જેનાથી કોઈ પણ દુભાય નહીં. (અને તે સિવાય, અંતરંગ ફોટા ન મોકલવા માટે કોઈ વ્યક્તિને કહેવાની ફરજ કંઈ રીતે તમારી છે?)

પોતાના પરથી જવાબદારીઓને શિફ્ટ કરવી.

તેઓ કહે છે: "જો હું કોઈ ન્યૂડ ફોટો બસ એક વ્યક્તિની સાથે શેર કરું છું અને તે પછી તે અન્ય લોકો સાથે શેર કરે છે, તો તે ખરેખર મારો દોષ નથી."

તમે કહો છો: જ્યારે કોઈ વ્યક્તિ તમને અંતરંગ ફોટો મોકલે છે, તો તેઓ તમારા પર વિશ્વાસ કરે છે કે તમે તેને ખાનગી રાખશો જ. તેને ફક્ત એક અન્ય વ્યક્તિ સાથે શેર કરવું પણ તે વિશ્વાસને દગો દેવો છે.

પીડિતને દોષ દેવો.

તેઓ કહે છે: "કોઈ છોકરીના બ્રેકઅપ પછી તેના ફોટા શેર થાય તો આશ્ચર્યચકિત ન થવું જોઈએ."

તમે કહો છો: બહાનું બનાવવા માટે "છોકરાઓ તો છોકરાઓ જ રહેશે" એવું કથન વાપરશો નહીં અથવા એવું કહેશો નહીં કે છોકરીએ "સારી રીતે સમજવું જોઈએ." જ્યારે તમે કોઈ અંતરંગ ફોટો મેળવો છો તો મિત્રો અને સાથીઓ તરફથી તેને શેર કરવાનું દબાણ હોઈ શકે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ તમને એક મોકલે છે અને તમે તેમની પરવાનગી વિના શેર કરો છો, તો તમે દોષી છો.

પીડિત-દોષારોપણ એ બીજું કારણ છે કે કેમ આપણે તરુણ/તરુણીઓને અંતરંગ ફોટા શેર ન કરવા તે વિશે જણાવવાની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને જો તેઓ મોકલે તો શું ખોટું થઈ શકે છે તે જણાવીને આપણે તેમને ડરાવવાનો પ્રયાસ કેમ ન કરવો જોઈએ. આ બન્ને, તરુણ/તરુણીઓને શેર કરનારી વ્યક્તિને બદલે મોકલનાર વ્યક્તિને દોષ આપવા માટે પ્રોત્સાહિત કરે છે. તેને બદલે, ખાતરી કરો કે તમારા તરુણ/તરુણીઓને કોઈ વ્યક્તિ અંતરંગ ફોટો મોકલે ત્યારે તેઓ હંમેશાં યોગ્ય પસંદગીઓ કરે છે.

સંબંધિત વિષયો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર