જસ્ટિન ડબ્લ્યુ. પેચિન અને સમીર હિન્દુજા
જો તમને જાણ થાય કે તમારા તરુણ/તરુણીએ અન્ય લોકોને ઓનલાઇન ધાકધમકી આપી છે તો તમારે શું કરવું જોઈએ? ઘણી રીતે, આ પરિદૃશ્ય તમારા તરુણ/તરુણી ટાર્ગેટ હોય તો તેના કરતાં વધુ પડકારજનક હોઈ શકે છે. તે સ્વીકારવું મુશ્કેલ થઈ શકે છે કે તમારા તરુણ/તરુણીએ બીજાની લાગણીઓને ઠેસ પહોંચાડતું કંઈક કહ્યું હોઈ શકે અથવા નુકસાન પહોંચાડતું કંઈક કર્યું હોઈ શકે છે, પણ મનને મોકળું રાખો. માતા-પિતા અથવા સંભાળ રાખનાર તરીકે એ વાસ્તવિકતાને સ્વીકારો કે કોઈ પણ તરુણ/તરુણી ચોક્કસ સંજોગોમાં ખરાબ પસંદગીઓ કરી શકે છે, પછી ભલેને તેને અલગ પસંદગીઓ કરવાનું શીખવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરો છો. શરૂઆતમાં, માતા-પિતા અને સંભાળ રાખનારાઓએ આ સમસ્યા પ્રત્યે અન્ય કોઈ પણ સમસ્યા જેવો જ અભિગમ રાખવાની જરૂર છે: શાંત અને સ્પષ્ટ રીતે વિચારવાની ક્ષમતા સાથે. જો તમે ગુસ્સે હો (જે તમે મોટે ભાગે પહેલા હશો), તો ઊંડો શ્વાસ લો અને જ્યારે તમે થોડા શાંત થાઓ ત્યારે આ મુદ્દા પર ફરીથી વિચાર કરો. તમે વર્તમાન પરિસ્થિતિનો કેવી રીતે જવાબ આપો છો તે તમારા તરુણ/તરુણીઓ ભવિષ્યમાં તમારી સાથે કેવી રીતે સંચાર કરશે તે માટેની પાર્શ્વ ભૂમિકા બાંધશે.
શું થયેલું તે જાણો
પહેલા, શું થયેલું એ તમે બરાબર સમજો તે મહત્ત્વનું છે. કોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા? શું આમાં ટાર્ગેટ, સાક્ષી અથવા આક્રમણ કરનાર તરીકે બીજું કોઈ શામેલ હતું? આ કેટલા સમયથી ચાલી રહ્યું છે? શું સમસ્યારૂપ ઇન્ટરેક્શનનો એવો કોઈ ઇતિહાસ છે જેના વિશે જાણવું જોઈએ? નુકસાનકારક એક્શનની પ્રેરણા અથવા ઉત્પત્તિ શું હતી? જે બન્યું તે વિશે તમારાથી શક્ય હોય તેટલું વધુ જાણવાનો પ્રયાસ કરો. તમારા તરુણ/તરુણી સાથે વાત કરો. સ્ટોરીનો તેમનો પૂરો પક્ષ જાણો. આશા છે કે તેઓ માહિતી આપવા બાબતે નિખાલસ અને તૈયાર હશે, પરંતુ ઘણી વાર તેઓ તેવા નહીં હોય. આથી જ પરિસ્થિતિની તમારી જાતે તપાસ કરવી મહત્ત્વપૂર્ણ છે. કોઈ બીજી વ્યક્તિએ કોઈ બાબત પહેલી કરી હોય તેના માટે ચોક્કસ બદલો લેવા ઘણા યુવા લોકો સાયબર ધાકધમકીમાં જોડાય છે. ખાતરી કરો કે તમારા તરુણ/તરુણી જાણે છે કે તેઓ તમારી પાસે આવી શકે છે અને તેમના સાથીદારો સાથે તેમને જે કોઈ સમસ્યા હોય તેની ચર્ચા કરી શકે છે. આશા છે કે આ સંભવિત તકરારો નિયંત્રણની બહાર થઈ જાય તે પહેલાં તેના દ્વારા મનમાં ઊભા થતા વિષાદને અટકાવી શકે છે.
તમારા તરુણ/તરુણીને સાયબર ધાકધમકી આપવાથી રોકવા માટેની ટિપ્સ
તાર્કિક પરિણામો લાદો
વયસ્કો તરીકે, આપણે જાણતા થયા છીએ કે દરેક વર્તન – સકારાત્મક અને નકારાત્મક એમ બંનેનાં પરિણામો હોય છે. સ્વાભાવિક પરિણામ એ એવી વસ્તુ છે જે વર્તનના પરિણામે સ્વાભાવિક રીતે અથવા આપમેળે (માનવ હસ્તક્ષેપ વિના) થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ ગરમ સ્ટોવના બર્નર પર હાથ મૂકે છે, તો તે દાઝી જશે. જોકે, એવા કેટલાંક સ્વાભાવિક પરિણામો છે, જે જોખમની દૃષ્ટિએ ખૂબ જ મોટાં હોય છે. ઉદાહરણ તરીકે, દારૂ પીને વાહન ચલાવનારા તરુણ/તરુણીથી અકસ્માત થઈ શકે છે અને અંતે પોતાનો અથવા અન્ય કોઈનો જીવ લઈ શકે છે. આ પ્રકારનાં વર્તનો માટે, તાર્કિક પરિણામ - જે સંકળાયેલા સંભવિત જોખમ સાથે સીધું સંબંધિત છે, તેનો ઉપયોગ કરીને સ્વાભાવિક પરિણામ થવાથી અટકાવવા અગાઉથી પગલાં લેવાં એ વધુ સારું હોય છે. આપણે નથી ઇચ્છતા કે આપણા તરુણ/તરુણીઓ દારૂ પીને વાહન ચલાવે અને તેથી જ જો તેઓ દારૂ સાથે સંકળાયેલાં જોખમી વર્તનો કરતા જણાય, તો આપણે થોડા સમય માટે કાર પાછી લેવાની જરૂર પડી શકે છે અથવા હોસ્પિટલમાં કાર અકસ્માતનો ભોગ બનેલાં લોકો સાથે તેમની મુલાકાત કરાવવાની જરૂર પડી શકે છે. મહત્તમ અસર માટે, વર્તન પછી પરિણામ શક્ય એટલું જલદી આવવું જોઈએ (કારણ કે સ્વાભાવિક પરિણામો ઘણી વાર તાત્કાલિક જ થતાં હોય છે). તે આવશ્યક છે કે તમારા તરુણ/તરુણી, વર્તન સાથે સજાને સ્પષ્ટ રીતે જોડવામાં સમર્થ હોય. ઓનલાઇન અયોગ્ય એક્શન બદલ આપણા તરુણ/તરુણીઓને શિસ્તબદ્ધ કરતી વખતે સમાન અભિગમનો ઉપયોગ કરી શકાય છે. જો તેઓ સોશિયલ મીડિયા પર અન્ય લોકો વિશે લાગણીઓને ઠેસ પહોંચાડતી કોમેન્ટ કરી રહ્યાં હોય, તો બની શકે કે તેઓએ ટેક્નોલોજીને ઉપયોગમાં લેવાથી થોડા દિવસનો બ્રેક લેવાની જરૂર છે. જો તેઓ બીભત્સ ટેક્સ્ટ મોકલી રહ્યાં હોય, તો તેઓ થોડા સમય માટે ફોનને વાપરવા માટેના તેમના વિશેષાધિકારો ગુમાવી શકે છે. જે-તે વર્તનો શા માટે અયોગ્ય છે તે સમજાવવાની અને કેટલાંક સ્વાભાવિક પરિણામો (ટાર્ગેટને નુકસાન, ઓનલાઇન પ્રતિષ્ઠાને નુકસાન પહોંચવું, સ્કૂલથી સસ્પેંડ કરી દેવામાં આવવું અથવા કાઢી મૂકવામાં આવવું, બાળ ગુનેગારનો રેકોર્ડ વગેરે) કયા-કયા હોઈ શકે તે બતાવવાની ખાતરી કરો.
સામાન્ય રીતે, માતા-પિતાએ સાયબર ધાકધમકી પ્રત્યેના તેમના પ્રતિસાદ વિશે કાળજીપૂર્વક વિચારવું જરૂરી છે – ખાસ કરીને જ્યારે તેમના તરુણ/તરુણી આક્રમણ કરનાર હોય ત્યારે. કોઈ પણ વ્યક્તિ નથી ઇચ્છતી કે આવુંને આવું વર્તન ચાલુ રહે, તેથી ચોક્કસ પગલાં લેવાની જરૂર હોય છે. દરેક તરુણ/તરુણી અને ઘટના અલગ-અલગ હોય છે અને તેથી જે થયેલું તે વિશે તમારાથી શક્ય હોય તેટલું વધુ જાણવું મહત્ત્વપૂર્ણ છે જેથી તમે વિચારપૂર્વક પ્રતિસાદ આપી શકો.